ભાવનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ગંગાજળીયા પોલીસ દ્વારા વધુ એક કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શરીર સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા અને વિસ્તારમાં માથાભારે તરીકે ઓળખાતા અશ્વીન ઉર્ફે અડધી પેટી જગાભાઈ બાંભણીયા (રહે. કરચલીયાપરા, શિવનગર, ભાવનગર) સામે પાસા (Prevention of Anti-Social Activities Act) હેઠળ અટકાયત કરવામાં આવી છે. આરોપી અશ્વીન ઉર્ફે અડધી પેટી વિરુદ્ધ અગાઉથી શરીર સંબંધિત ગુનાઓ નોંધાયેલા હતા અને તેની ગુનાહિત પ્રવૃત્તિઓને કારણે સ્થાનિક વિસ્તારમાં ભય અને અસામાજિક વાતાવરણ સર્જાતું હોવાનું પોલીસના ધ્યાને આવ્યું હતું. જેને પગલે ગંગાજળીયા પોલીસ સ્ટેશન દ્વારા આરોપી સામે પાસા હેઠળ કાર્યવાહી કરવાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન અને સૂચન હેઠળ ગંગાજળીયા પોલીસ સ્ટેશનની ટીમે કાર્યવાહી કરી આરોપીની અટકાયત કરી તેને મધ્યસ્થ જેલ રાજકોટ ખાતે મોકલી આપવામાં આવ્યો છે. પોલીસ વિભાગે જણાવ્યું હતું કે, શહેરમાં શાંતિ અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તેમજ અસામાજિક તત્વો સામે કડક સંદેશ જાય તે માટે આવી કાર્યવાહી આગળ પણ સતત ચાલુ રહેશે. રિપોર્ટર ફિરોજ સેલોત ભાવનગર