અમરેલી જિલ્લાના બાબરા ખાતે ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (એસીબી) દ્વારા સફળ ટ્રેપ ગોઠવી બાબરા નગરપાલિકામાં ફરજ બજાવતા જુનિયર ક્લાર્ક નનુભાઈ મામૈયાભાઈ ગામારાને રૂ. 4,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ, એક જાગૃત નાગરિકે એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી કે તેમના મિત્રની દીકરીનો જન્મનો દાખલો કાઢી આપવા બદલ નનુભાઈ ગામારાએ રૂ. 5,000ની લાંચની માંગણી કરી હતી. ત્યારબાદ થયેલી રકઝકના અંતે રૂ. 4,000માં સોદો નક્કી થયો હતો. ફરિયાદી લાંચ આપવા ઇચ્છતા ન હોવાથી તેમણે અમરેલી એસીબી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે એસીબી દ્વારા ટ્રેપનું આયોજન કરવામાં આવ્યું હતું. ટ્રેપ દરમિયાન બાબરા બાયપાસ નજીક આવેલી ઠાકરઘણી હોટલ ખાતે આરોપીએ ફરિયાદી પાસેથી રૂ. 4,000ની લાંચની માંગણી કરી સ્વીકારી હતી. એસીબીની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીને સ્થળ પર જ રંગેહાથ ઝડપી લીધો હતો અને લાંચની સંપૂર્ણ રકમ પણ કબજે કરી હતી. આ કામગીરી અમરેલી એસીબીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર ટી.એસ. રિઝવીના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. સમગ્ર કાર્યવાહીનું સુપરવિઝન એસીબી ભાવનગર એકમના મદદનીશ નિયામક એસ.એન. બારોટ દ્વારા કરવામાં આવ્યું હતું. હાલ એસીબી દ્વારા આરોપી વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. રિપોટર ફિરોજ સેલોત