વિકસિત ભારત સંકલ્પ સંમેલન અને ‘ખેત બચાવો’ અભિયાન અંતર્ગત થરોડ ખાતે આત્મા યોજનાની જિલ્લા આંતરિક તાલીમ યોજાઈ ખેડૂતોને સમતોલ ખાતર, સૂક્ષ્મ સિંચાઈ અને પ્રાકૃતિક ખેતી અંગે કરાયું માર્ગદર્શન ખેતીને વધુ નફાકારક અને ટકાઉ બનાવવા આત્મા યોજનાનો પ્રયાસ વિકસિત ભારત@૨૦૪૭ના સંકલ્પને સાકાર કરવા તથા રાજ્ય સરકારના ‘ખેત બચાવો’ રાજ્યવ્યાપી અભિયાન અંતર્ગત આત્મા (ATMA) યોજના દ્વારા આજે હારીજ તાલુકાના થરોડ ગામ સ્થિત નિસર્ગ મોડલ ફાર્મ ખાતે જિલ્લા આંતરિક તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલીમમાં મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ અને બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમની શરૂઆતમાં ઠાકોર જલારામભાઈ અંબારામજીએ ઉપસ્થિત અધિકારીઓ, કર્મચારીઓ અને ખેડૂત મિત્રોને આવકારી સ્વાગત પ્રવચન આપ્યું હતું. આત્મા યોજના હારીજના એ.ટી.એમ. શ્રી નિરવભાઈ ચૌધરીએ પ્રાકૃતિક ખેતીના મહત્વ, રાસાયણિક ખાતરના વિકલ્પો તેમજ રાજ્યવ્યાપી ‘ખેત બચાવો’ અભિયાન અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે ખેડૂતોને સંકલિત પોષણ વ્યવસ્થાપન અને સમતોલ ખાતરના ઉપયોગ અંગે માર્ગદર્શન આપ્યું હતું.દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી સંલગ્ન અડિયા કૃષિ સંશોધન કેન્દ્રના રિસર્ચ ફેલો શ્રી હર્ષ પટેલે જમીન વિજ્ઞાન, જમીન પરીક્ષણનું મહત્વ તેમજ ખરીફ પાકોમાં દિવેલાની વૈજ્ઞાનિક ખેતી અંગે માહિતીસભર માર્ગદર્શન આપ્યું હતું.વિસ્તરણ અધિકારી શ્રી જિતેન્દ્રસિંહ સોલંકીએ ખેતીવાડી વિભાગની વિવિધ સહાય અને સબસિડી યોજનાઓ અંગે ખેડૂતોને માહિતગાર કર્યા હતા. જ્યારે જીજીઆરસીના શ્રી એ.જે. પટેલે સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિના લાભો અને સરકારની સહાય અંગે માહિતી આપી હતી.સરદાર સરોવર નિગમ લિમિટેડ તરફથી ઉપસ્થિત પુષ્પાબેન પ્રજાપતિ અને પ્રીતિબેન રાવલે પિયત મંડળીઓની કામગીરી તથા જળ વ્યવસ્થાપન અંગે માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે ઉપયોગી જીવામૃત બનાવવાની પ્રક્રિયાનું પ્રાયોગિક નિદર્શન (ડેમો) પણ આપવામાં આવ્યું હતું.તાલીમના અંતે ઉપસ્થિત તમામ ખેડૂતોએ સ્વદેશી અને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે શપથ ગ્રહણ કર્યો હતો.સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન આત્મા યોજના હારીજના એ.ટી.એમ. શ્રી નિરવ ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું. આ તાલીમ દ્વારા ખેડૂતોને આધુનિક, વૈજ્ઞાનિક અને પર્યાવરણમૈત્રી ખેતી પદ્ધતિઓ અંગે ઉપયોગી માર્ગદર્શન પ્રાપ્ત થતાં ખેતીને વધુ ટકાઉ અને નફાકારક બનાવવામાં મદદરૂપ થશે.