શંખેશ્વર તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ મધ્યાહન ભોજન કેન્દ્રોના સંચાલકોની ભરતી શરૂ
પાટણ

શંખેશ્વર તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ મધ્યાહન ભોજન કેન્દ્રોના સંચાલકોની ભરતી શરૂ

ABC News 24
schedule 5 min read

તા. 15 જૂન સુધી અરજીઓ મંગાવાઈ, સ્થાનિક ઉમેદવારોને મળશે પ્રાથમિકતા પાટણ: શંખેશ્વર તાલુકામાં શૈક્ષણિક વર્ષ 2026-27 માટે પી.એમ. પોષણ યોજના (મધ્યાહન ભોજન યોજના) અંતર્ગત વિવિધ મધ્યાહન ભોજન કેન્દ્રોમાં ખાલી પડેલી સંચાલકોની જગ્યાઓ ભરવા માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. મામલતદાર કચેરી, શંખેશ્વર દ્વારા રસ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. આ નિમણૂક સરકારશ્રી દ્વારા નક્કી કરાયેલા માનદ વેતનના ધોરણે ખંડ સમય અને સંપૂર્ણપણે હંગામી ધોરણે કરવામાં આવશે. માહિતી મુજબ, શંખેશ્વર તાલુકાના પાંચ અલગ-અલગ મધ્યાહન ભોજન કેન્દ્રો માટે સંચાલકોની નિમણૂક કરાશે. જેમાં ખંડીયા પ્રાથમિક શાળા ખાતે આવેલ ‘4-ખંડીયા’ મધ્યાહન ભોજન કેન્દ્ર, પાડલા-1 પ્રાથમિક શાળાનું પાડલા-1 મધ્યાહન ભોજન કેન્દ્ર, રૂની પ્રાથમિક શાળાનું ‘31-રૂની’ મધ્યાહન ભોજન કેન્દ્ર, સુબાપુરા પ્રાથમિક શાળાનું ‘35-સુબાપુરા’ મધ્યાહન ભોજન કેન્દ્ર તેમજ સીપુર પ્રાથમિક શાળાનું ‘36-સીપુર’ મધ્યાહન ભોજન કેન્દ્રનો સમાવેશ થાય છે. ભરતી માટે ઉમેદવાર પાસે એસ.એસ.સી. પાસ અથવા સમકક્ષ શૈક્ષણિક લાયકાત ફરજિયાત રાખવામાં આવી છે. જોકે, જો યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવાર ઉપલબ્ધ નહીં હોય તો સ્થાનિક ધોરણ-7 પાસ ઉમેદવારને પણ પસંદગીમાં તક આપવામાં આવશે. ઉમેદવારની ઉંમર 20 વર્ષથી 60 વર્ષ વચ્ચે હોવી આવશ્યક છે અને ભરતી પ્રક્રિયામાં સ્થાનિક ઉમેદવારોને પ્રાથમિકતા આપવામાં આવશે. રસ ધરાવતા ઉમેદવારો મામલતદાર કચેરી, શંખેશ્વરમાંથી કાર્યાલયના કામકાજના દિવસોમાં અરજી ફોર્મ મેળવી શકશે. ઉમેદવારોએ પૂર્ણ વિગતો સાથે ભરેલ અરજીપત્રક તથા જરૂરી પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો તા. 01 જૂન, 2026થી તા. 15 જૂન, 2026 દરમિયાન મામલતદાર કચેરી ખાતે જમા કરાવવાની રહેશે. નિયત નમૂના સિવાયની, અધૂરી અથવા સમયમર્યાદા બાદ પ્રાપ્ત થતી અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં. અરજદારોની સંભવિત રૂબરૂ મુલાકાત (ઇન્ટરવ્યુ) તા. 18 જૂન, 2026ના રોજ બપોરે 3:00 વાગ્યે યોજાશે. ઉમેદવારોએ ઇન્ટરવ્યુ સમયે અરજી સાથે જોડેલા તમામ મૂળ પ્રમાણપત્રો તેમજ તેની પ્રમાણિત નકલો સાથે લાવવાની રહેશે. નિયત તારીખ અને સમયે હાજર ન રહેનાર ઉમેદવારનો કોઈપણ પ્રકારનો દાવો માન્ય ગણાશે નહીં. મામલતદાર કચેરી દ્વારા જણાવાયું છે કે આ નિમણૂક સરકારના શિક્ષણ વિભાગના સંબંધિત ઠરાવો અને વખતોવખત જાહેર થતી માર્ગદર્શિકાઓ મુજબ તેમજ મામલતદારશ્રીની વિવેકાધીન સત્તાને આધીન રહેશે. ભરતી અંગે વધુ માહિતી માટે ઉમેદવારોને મામલતદાર કચેરી, શંખેશ્વરનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

QUANTUM AI FUTURE TECH INNOVATION

The Intelligence Report

More insights from our editorial desk

View All Stories arrow_forward