વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ચાણસ્મા તાલુકા કક્ષાનો વિશેષ પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમ તાલુકાના ઝિલીયા ગામ ખાતે આવેલા ઐતિહાસિક ગાંધી આશ્રમ પરિસરમાં યોજાયો હતો. પ્રકૃતિના સંરક્ષણ અને હરિયાળા પર્યાવરણના સંકલ્પને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ સાથે આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો, અધિકારીઓ અને પર્યાવરણપ્રેમીઓ ઉત્સાહભેર જોડાયા હતા. કાર્યક્રમ દરમિયાન ગાંધી આશ્રમ પરિસરમાં આશરે ૬૬૨ જેટલા વિવિધ પ્રજાતિના ઔષધીય, ફળાઉ તથા છાયાડો આપતા વૃક્ષોના રોપાઓનું સામૂહિક વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. વૃક્ષો માત્ર પર્યાવરણનું સંતુલન જાળવવામાં જ નહીં, પરંતુ માનવજીવનને શુદ્ધ હવા, સ્વચ્છ પર્યાવરણ અને આરોગ્યપ્રદ જીવન પ્રદાન કરવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તે અંગે ઉપસ્થિતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્થાનિક નાગરિકોમાં પર્યાવરણ પ્રત્યે વધુ જાગૃતિ આવે અને વૃક્ષારોપણને જનઆંદોલનનું સ્વરૂપ મળે તે હેતુથી ૫૦થી વધુ રોપાઓનું વિનામૂલ્યે વિતરણ પણ કરવામાં આવ્યું હતું. ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક રોપાઓ સ્વીકારી પોતાના ઘર અને આસપાસના વિસ્તારોમાં તેનું વાવેતર કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. ગ્લોબલ વોર્મિંગ અને વધતા પર્યાવરણીય પડકારોના સમયમાં વૃક્ષોનું મહત્વ સમજાવતા વક્તાઓએ જણાવ્યું હતું કે માત્ર વૃક્ષારોપણ કરવું પૂરતું નથી, પરંતુ વાવેલા રોપાઓનું યોગ્ય જતન અને સંવર્ધન કરીને તેને વૃક્ષનું સ્વરૂપ આપવું એ સૌની સામૂહિક જવાબદારી છે. આ અવસરે ઉપસ્થિત નાગરિકોએ વાવેલા દરેક રોપાને જીવંત રાખવા અને હરિયાળા પર્યાવરણના નિર્માણમાં સક્રિય યોગદાન આપવાનો સંકલ્પ લીધો હતો. કાર્યક્રમમાં તાલુકાના વિવિધ વિભાગોના અધિકારીઓ, ગાંધી આશ્રમના અગ્રણીઓ, પર્યાવરણપ્રેમીઓ, સામાજિક આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ પર્યાવરણ સંરક્ષણ પ્રત્યેની સામૂહિક પ્રતિબદ્ધતાનું પ્રેરણાદાયી ઉદાહરણ બની રહ્યો હતો.