ભાવનગરમાં દારૂબંધી વચ્ચે ફરી એકવાર દારૂના કાળા કારોબારનો મોટો ખુલાસો થયો છે. મહારાષ્ટ્રથી પાર્સલની આડમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ શહેરમાં ઘૂસાડવાનો ગોરખધંધો ચાલતો હોવાની માહિતી વચ્ચે લોકલ ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી હાથ ધરી છે. કેબલ સ્ટેડ બ્રિજ પાસે ફિલ્મી સ્ટાઈલમાં વોચ ગોઠવી LCBએ દારૂ ભરેલી કાર અને પાયલોટિંગ કરતા સ્કૂટરને ઝડપી પાડતાં કરોડો નહીં પરંતુ લાખોની હેરાફેરીનો ભાંડો ફૂટ્યો છે. ભાવનગર LCBને મળેલી બાતમીના આધારે જુના બંદર રોડ પર કાળ ભૈરવદાદાના આશ્રમ નજીક વોચ ગોઠવવામાં આવી હતી. જ્યાં મહારાષ્ટ્રથી પાર્સલમાં પેક કરેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂ શહેરમાં સપ્લાય થવાનો હતો.તપાસ દરમિયાન સફેદ રંગની મારૂતિ ઇકો કારમાંથી પ્લાસ્ટિકમાં વીંટાળેલા અને કપડાંની વચ્ચે છુપાવેલા દારૂના જથ્થા સાથે ત્રણ ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા. જ્યારે મુખ્ય આરોપી જીગર ઉર્ફે જીગો ઝીંઝરીયા હાલ ફરાર હોવાનું સામે આવ્યું છે. પોલીસે સ્થળ પરથી માસ્ટર્સ ડીલાઇટ વ્હિસ્કીની બોટલો, કિંગફિશર અને બડવાઇઝર કંપનીની બિયર ટીન મળી કુલ ૧૨૫ નંગ દારૂ કબ્જે કર્યો છે. સાથે દારૂ પરિવહનમાં વપરાયેલી ઇકો કાર, એકસેસ સ્કૂટર અને મોબાઇલ ફોન સહિત કુલ રૂપિયા ૨ લાખ ૯૧ હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.ચોંકાવનારી વાત એ છે કે ઝડપાયેલા એક આરોપી ભગવાન ઉર્ફે ભરત ઝાલા અગાઉ પણ પ્રોહિબિશનના ગુનામાં પોલીસને વોન્ટેડ હતો. જ્યારે અન્ય આરોપી દિનેશ સોલંકી સામે પણ ગંભીર ગુનાહિત ઇતિહાસ સામે આવ્યો છે.સવાલ હવે એ છે કે દારૂબંધીવાળા ગુજરાતમાં પાર્સલની આડમાં દારૂનો આ ખેલ આખરે કેટલા સમયથી ચાલતો હતો ? અને આ રેકેટ પાછળ હજુ કોણ કોણ સામેલ છે ? હાલ LCBએ વધુ તપાસ શરૂ કરી છે. રિપોર્ટર -: ફિરોજ સેલોત ભાવનગર