પાટણમાં સુગમ ડિજિટલ પોર્ટલ બન્યું નાગરિકો માટે આશીર્વાદરૂપ  હવે સરકારી સેવાઓ આંગળીના ટેરવે
પાટણ

પાટણમાં સુગમ ડિજિટલ પોર્ટલ બન્યું નાગરિકો માટે આશીર્વાદરૂપ હવે સરકારી સેવાઓ આંગળીના ટેરવે

ABC News 24
schedule 5 min read

ડિજિટલ યુગમાં નાગરિકોને ઝડપી, પારદર્શક અને સરળ સરકારી સેવાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુથી ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલ સુગમ ડિજિટલ પોર્ટલ આજે સામાન્ય નાગરિકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે. “લાઈન નહીં, હવે ઓનલાઈન”ના સૂત્ર સાથે શરૂ થયેલ આ પોર્ટલ દ્વારા હવે લોકો ઘરબેઠાં મોબાઈલ અથવા કમ્પ્યુટરના માધ્યમથી અનેક સરકારી સેવાઓ અને પ્રમાણપત્રો માટે સરળતાથી અરજી કરી શકે છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ચાલી રહેલા “12 વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના” અભિયાન અંતર્ગત ટેકનોલોજી આધારિત સુશાસનને વધુ મજબૂત બનાવવા ગુજરાત સરકારે મહત્વપૂર્ણ પહેલરૂપે સુગમ ડિજિટલ પોર્ટલ શરૂ કર્યું છે. આ પોર્ટલ દ્વારા પાટણ જિલ્લાના નાગરિકો સહિત સમગ્ર રાજ્યના લોકો માટે સરકારી સેવાઓ વધુ સરળ, ઝડપી અને સુલભ બની છે. અગાઉ સરકારી સેવા મેળવવા માટે લોકોને કચેરીઓના ધક્કા ખાવા પડતા, લાંબી કતારોમાં ઉભા રહેવું પડતું અને કાગળ આધારિત પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડતું હતું. પરંતુ હવે આ તમામ પ્રક્રિયાઓમાં મોટો બદલાવ આવ્યો છે. સુગમ ડિજિટલ પોર્ટલના માધ્યમથી લોકો ઘરેથી જ વિવિધ સરકારી સેવાઓ માટે ઓનલાઈન અરજી કરી શકે છે, જેના કારણે સમય, નાણાં અને શ્રમની નોંધપાત્ર બચત થઈ રહી છે. આ પોર્ટલ પર ઓનલાઈન નોંધણીની સરળ વ્યવસ્થા ઉપલબ્ધ છે. નાગરિકો પોતાના મોબાઈલ નંબર અને ઓટીપી વેરિફિકેશન દ્વારા યુઝર આઈડી બનાવી શકે છે. ત્યારબાદ જરૂરી સેવા પસંદ કરીને અરજી ફોર્મ ભરી શકાય છે અને જરૂરી દસ્તાવેજો સ્કેન કરીને ઓનલાઈન અપલોડ કરી શકાય છે. આ પ્રક્રિયા સંપૂર્ણપણે પેપરલેસ હોવાથી વહીવટી પ્રક્રિયામાં પારદર્શકતા પણ વધી છે. સુગમ ડિજિટલ પોર્ટલની સૌથી મહત્વપૂર્ણ વિશેષતા એ છે કે અરજદાર પોતાની અરજીની સ્થિતિ કોઈપણ સમયે ઓનલાઈન ટ્રેક કરી શકે છે. અરજી સ્વીકારવાથી લઈને મંજૂરી સુધીની દરેક માહિતી SMS અને ઈ-મેઈલ દ્વારા આપવામાં આવતી હોવાથી અરજદારોને અનિશ્ચિતતાનો સામનો કરવો પડતો નથી. મંજૂરી મળ્યા બાદ સંબંધિત પ્રમાણપત્ર કે દસ્તાવેજ તરત જ ડિજિટલ સ્વરૂપે ડાઉનલોડ કરવાની સુવિધા ઉપલબ્ધ છે. આ પોર્ટલ માત્ર સરકારી વેબસાઈટ નહીં પરંતુ સરકાર અને નાગરિકો વચ્ચેનું એક આધુનિક ડિજિટલ સેતુ બની રહ્યું છે. સેવાઓને વધુ પારદર્શક, ઝડપી અને અસરકારક બનાવવાના પ્રયાસો વચ્ચે લોકોનો સરકારી તંત્ર પ્રત્યેનો વિશ્વાસ પણ વધુ મજબૂત બન્યો છે. ડિજિટલ ગુજરાતના નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપતું સુગમ ડિજિટલ પોર્ટલ “ઘરબેઠાં સેવા, ઝડપી સેવા અને પારદર્શક સેવા”ના મંત્રને સાકાર કરતું નાગરિકોને સશક્ત બનાવવાની દિશામાં સફળ પહેલ સાબિત થઈ રહ્યું છે. વિકાસની આ ડિજિટલ યાત્રામાં દરેક નાગરિકની સહભાગિતા જ “વિકસિત ગુજરાત” અને “વિકસિત ભારત”ના સપનાને સાકાર બનાવશે. સુગમ ડિજિટલ પોર્ટલ પર કેવી રીતે અરજી કરશો? 1. https://sugamdigitalgujarat.com/ વેબસાઇટ ખોલો. 2. "નવું રજીસ્ટ્રેશન" વિકલ્પ પસંદ કરો. 3. મોબાઈલ ઓટીપી દ્વારા નોંધણી પૂર્ણ કરો. 4. યુઝર આઈડી અને પાસવર્ડથી લોગિન કરો. 5. જરૂરી સેવા અથવા પ્રમાણપત્ર પસંદ કરો. 6. અરજી ફોર્મ ભરી જરૂરી દસ્તાવેજો અપલોડ કરો. 7. અરજી સબમિટ કરીને રેફરન્સ નંબર સાચવી રાખો. 8. અરજીની સ્થિતિ ઓનલાઈન ટ્રેક કરો. 9. મંજૂરી મળ્યા બાદ ડિજિટલ પ્રમાણપત્ર ડાઉનલોડ કરો. ડિજિટલ ટેકનોલોજીના માધ્યમથી સરકાર અને નાગરિકો વચ્ચેનું અંતર ઘટાડી, સેવાઓને વધુ સુલભ અને અસરકારક બનાવતું સુગમ ડિજિટલ પોર્ટલ આજે સારા શાસન અને જનકેન્દ્રિત વહીવટનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યું છે. વિકાસની આ ડિજિટલ યાત્રામાં દરેક નાગરિકની સહભાગિતા જ "વિકસિત ગુજરાત" અને "વિકસિત ભારત"ના સપનાને સાકાર બનાવશે.

QUANTUM AI FUTURE TECH INNOVATION

The Intelligence Report

More insights from our editorial desk

View All Stories arrow_forward