પાટણ જિલ્લા પોલીસે યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતે વિશેષ જનસહાય અને માર્ગદર્શન કેમ્પ યોજી નાગરિકોને વ્યાજખોરીના વિષચક્રમાંથી મુક્ત કરવા મહત્વપૂર્ણ પહેલ કરી હતી. “તેરા તુજકો અર્પણ” અભિયાન અંતર્ગત અંદાજે 40 લાખ રૂપિયાનો ચોરાયેલો અને ગુમ થયેલો મુદ્દામાલ મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યો હતો.કાર્યક્રમ દરમિયાન વિવિધ પોલીસ સ્ટેશનો દ્વારા રિકવર કરાયેલા 38 મોબાઈલ, 4 બાઈક, 1 કાર, રોકડ રકમ તથા સોનાના દાગીના અસલી માલિકોને પરત આપવામાં આવ્યા. સાથે જ સાયબર ગુનાઓમાં ગુમાવેલી 14.82 લાખ રૂપિયાની રકમ ફરિયાદીઓના ખાતામાં જમા કરાવવામાં આવી.આર્થિક જરૂરિયાત ધરાવતા નાગરિકોને વ્યાજખોરોથી બચાવવા માટે રાષ્ટ્રીયકૃત બેંકો મારફતે અંદાજે 5 કરોડથી વધુની લોન સહાયના ચેક પણ વિતરણ કરાયા. DySP પરેશ રેણુકાએ નાગરિકોને ગેરકાયદેસર મની લેન્ડર્સથી દૂર રહી માત્ર અધિકૃત બેંકોનો સંપર્ક કરવા અપીલ કરી હતી. વ્યાજખોરો દ્વારા હેરાનગતિ થતી હોય તો પોલીસનો નિર્ભયપણે સંપર્ક કરવા પણ જણાવ્યું હતું. કાર્યક્રમમાં પોલીસ અધિકારીઓ, બેંક અધિકારીઓ તથા સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા