૧૫૧ કેસમાં ઝડપાયેલ ૬૫ હજારથી વધુ દારૂની બોટલો અને હજારો બીયર ટીનનો નાશ ગ્રામ્ય ડીવીઝનની મોટી કાર્યવાહી ભાવનગર ગ્રામ્ય ડીવીઝન પોલીસે પ્રોહીબીશનના ગુનાઓ સામે કડક વલણ અપનાવતા દારૂના કાળા કારોબારને મોટો ઝટકો આપ્યો છે. અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કુલ ૧૫૧ પ્રોહીબીશન કેસોમાં કબ્જે કરાયેલ અંદાજે રૂ. ૨.૨૮ કરોડથી વધુ કિંમતના વિદેશી દારૂનો નાશ કરવામાં આવતા દારૂ માફિયાઓમાં ખળભળાટ મચી ગયો છે. ભાવનગર રેન્જ પોલીસ મહાનિરીક્ષક આર.વી. અસારી તથા જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય દ્વારા પ્રોહીબીશનના કેસોમાં ઝડપાયેલા દારૂના મુદ્દામાલનો સમયસર નાશ કરવા આપવામાં આવેલી કડક સૂચનાઓના પગલે, ભાવનગર ગ્રામ્ય ડીવીઝનના મદદનીશ પોલીસ અધિક્ષક ઘનશ્યામ ગૌતમના માર્ગદર્શન હેઠળ વિશેષ કાર્યવાહી હાથ ધરાઈ હતી.ગ્રામ્ય ડીવીઝન હેઠળના વરતેજ, વેળાવદર ભાલ (સનેસ) અને ઘોઘા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસોમાં કબ્જે કરાયેલા ભારતીય બનાવટના પરપ્રાંતીય વિદેશી દારૂ અંગે નામદાર કોર્ટમાંથી મંજૂરી મેળવી મુદ્દામાલ નાશની કાર્યવાહી કરવામાં આવી હતી.સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ અક્ષર પી. વ્યાસ, મદદનીશ પોલીસ અધિક્ષક ઘનશ્યામ ગૌતમ, નશાબંધી અને આબકારી વિભાગના અધિકારીઓ તેમજ સંબંધિત પોલીસ ઇન્સ્પેક્ટરોની હાજરીમાં આ કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં કુલ ૬૫,૪૪૬ વિદેશી દારૂની બોટલો અને ૬,૮૯૭ બીયર ટીન સહિત અંદાજે રૂ. ૨,૨૮,૭૩,૬૮૭ના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો હતો.આ સમગ્ર કામગીરીમાં ત્રણેય પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે જી.આર.ડી. જવાનો પણ જોડાયા હતા. ભાવનગર ગ્રામ્ય પોલીસની આ કાર્યવાહીથી સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે જિલ્લામાં દારૂના ગેરકાયદે વેપાર સામે હવે કડક કાર્યવાહી અનિવાર્ય બનશે. રિપોર્ટર-: ફિરોજ સેલોત ભાવનગર